ગુજરાતમાં સાપુતારાથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી સુધી ફોર લેન બનશે

0
479

ગુજરાતમાં નાનાં-મોટાં પ્રવાસન અને યાત્રાસ્થળોને જોડતી પ્રવાસન સર્કિટ તેમ જ ઍડ્વેન્ચર અને ફૉરેસ્ટ ટૂરિઝમનો થશે વિકાસ ટૂરિઝમ ક્ષેત્રને પ્રમોટ કરવા અને લોકોને સારા માર્ગોની સુવિધા મળી રહે એ માટે ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારાથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી સુધી ફોર લેન રોડ બનાવવામાં આવશે.ગુજરાતના માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ટૂરિઝમ અને યાત્રાધામોને પ્રમોટ કરવા સાપુતારાથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી સુધી આશરે ૨૦૦ કિલોમીટર લાંબો નવો ફોર લેન રોડ બનશે. આ ફોર લેન રોડ સાપુતારાથી ગલકુંડ, આહ્‍વા, સુબીર, સોનગઢ, ઉકાઈ થઈને કેવડિયા સુધી વિસ્તારાશે. એના દ્વારા સ્થાનિક રોજગારીનું સર્જન શક્ય બનશે. એ ઉપરાંત ચીખલીથી સાપુતારા સુધીના માર્ગને ફોર લેન બનાવવાનું બાકીનું કામ ઝડપથી પૂરું થાય એ માટેનું કામ ચાલી રહ્યું છે. સાપુતારામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોવાથી વઘઈથી સાપુતારા સુધીના ૫૦ કિલોમીટરના ઘાટ-માર્ગ પર અકસ્માત અટકાવી શકાય એ માટે ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન ટેક્નૉલૉજી ધરાવતા રોલર બેરિંગ પ્રોટેક્શન વૉલનું નિર્માણ કરવામાં આવશે.’
તેમણે વધુમાં કહ્યું કે નાનાં-મોટાં પ્રવાસન અને યાત્રાસ્થળોને જોડતી પ્રવાસન સર્કિટ તેમ જ ઍડ્વેન્ચર અને ફૉરેસ્ટ ટૂરિઝમનો પણ વિકાસ થશે.
ડાંગમાં આવેલા માછળી અને ધવલીદોડ ખાતે ગઈ કાલે ગુજરાતના માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદીએ બે પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે સંસદસભ્ય ડૉ. કે. સી. પટેલ, વિધાનસભ્ય વિજય પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિત સહિત ડાંગ જિલ્લાના અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here