ચોટીલા-રાજકોટ હાઈવે પર વધુ એક ભયંકર અકસ્માતની ઘટના બની છે. આ હાઈવે પર ગઈકાલે મોડી રાતે એક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત 3 વ્યક્તિના મોત થયા છે. જાણવા મળતી વિગત પ્રમાણે એમ્બ્યુલન્સમાં જે દર્દીને લઈ જવાતા હતા તેમનો જીવ બચી ગયો છે, પરંતુ તેમની સાથેની બે વ્યક્તિ મૃત્યુ પામી છે. ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સને આપાગીગાના ઓટલા નજીક ટ્રક સાથે અકસ્માત નડ્યો હતો.અત્યાર સુધીમાં મળેલી માહિતી મુજબ એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે રહેલા તેમના બેન તથા દીકરી તથા એમ્બ્યુલન્સના ડ્રાઇવરના મોત નીપજ્યા છે.ચોટીલા – રાજકોટ હાઇવે પર આપા ગીગાના ઓટલા પાસે એક અજાણ્યા ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ધડાકાભેર અથડાઈ હતી. ચોટીલાથી દર્દીને રાજકોટ વધુ સારવાર માટે લઈ જવામાં આવતા હતા, તે દરમિયાન આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લાંબા સમય સુધી વાહન વ્યવહારને અસર થઈ હતી. આ ઘટનાની પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.