જાન્યુઆરીના બીજા સપ્તાહમાં PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે

0
192

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી ૨૦૨૬ના બીજા સપ્તાહમાં બેથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. હાલ તેમના પ્રવાસને લઇને વડાપ્રધાન અને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સમયની ઉપલબ્ધિ અનુસાર કાર્યક્રમો તૈયાર થઇ રહ્યા છે તેમાં અગાઉ ૧૦ જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર-કચ્છ રિજન વાઇબ્રન્ટ કોન્ફરન્સના ઉદ્‌ઘાટનમાં વડાપ્રધાન આવનાર હતા, પરંતુ હવે આ તારીખમાં ફેરફાર થયો છે અને વડાપ્રધાન ૧૧મીએ રાજકોટ ખાતે આ કોન્ફરન્સને ખુલ્લી મુકશે. દેશના વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ વિવિધ વિદેશી મહાનુભાવોના પ્રવાસની શરૂઆત માટે ગુજરાતને પસંદ કર્યું હતું, હવે ગુજરાત કોમનવેલ્થ ગેઇમ્સ તેમજ ઓલિમ્પિક ગેઇમ્સ માટે સજ્જ થઇ રહ્યું છે એ પૂર્વે ઇન્ડો-ઇયુ સમિટ ગાંધીનગરના આંગણે યોજાય તેવી શક્યતા છે. આ સમિટમાં હાજરી આપવા જર્મન ચાન્સેલર ફ્રેડરિઝ મર્ઝ ગુજરાત આવનાર છે એમનું સ્વાગત ખુદ વડાપ્રધાન ૧૨મી જાન્યુઆરીએ કરશે. આ તરફ છેલ્લા એક દશકથી આત્મનિર્ભરતા, નવીનતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરનાર પાલિતાણાના હણોલ ગામ ખાતે‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ ૨૦૨૬’નું ૧૩થી ૧૫ જાન્યુઆરી દરમિયાન આયોજન કરાયું છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાના વતન એવા હણોલના મહોત્સવના ઉદ્‌ઘાટન માટે માંડવીયાએ વડાપ્રધાન મોદીને રૂબરૂ જઇને આમંત્રણ આપ્યું છે.