નવી દિલ્હી/જોધપુર : ભારતીય વાયુસેનાની બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત **‘તરંગ શક્તિ-2026’**નું બીજું સંસ્કરણ 26 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન રાજસ્થાનના જોધપુર એરફોર્સ સ્ટેશન તથા આસપાસના એરબેઝ ખાતે યોજાશે. ભારતીય વાયુસેનાના જણાવ્યા મુજબ આ કવાયતનો મુખ્ય હેતુ વિવિધ દેશોની વાયુસેનાઓ વચ્ચે વ્યૂહાત્મક હવાઈ કામગીરી અંગે પરસ્પર સમજણ વધારવી અને સંયુક્ત ઓપરેશન માટેની ક્ષમતા તથા તાલમેલ મજબૂત કરવાનો છે.
આ બહુરાષ્ટ્રીય કવાયતમાં 7 Friendly Foreign Countries પોતાના હવાઈ સાધનો સાથે ભાગ લેશે, જ્યારે 32 દેશો ઓબ્ઝર્વર તરીકે જોડાશે. કવાયત દરમિયાન સંયુક્ત હવાઈ કામગીરી ઉપરાંત વહીવટી વ્યવસ્થા, લોજિસ્ટિક સપોર્ટ, મેન્ટેનન્સ અને વિવિધ વાયુસેનાઓ વચ્ચે આંતરકાર્યક્ષમતા વધારવા માટે તાલીમ આપવામાં આવશે.
કવાયતમાં ફ્રાન્સના Rafale, જર્મનીના A400M, અમેરિકાના F-35 અને KC-135, UAEના F-16 તથા Global 6000, ઓસ્ટ્રેલિયાના C-130, બાંગ્લાદેશના C-130J અને શ્રીલંકાના King Air 350 સહિત વિવિધ પ્રકારના એરક્રાફ્ટ ભાગ લેશે. આથી કવાયત દરમિયાન વિવિધ દેશોની આધુનિક હવાઈ ક્ષમતાઓનું સંયુક્ત પ્રદર્શન જોવા મળશે.
24-25 સપ્ટેમ્બરે એરક્રાફ્ટ ઇન્ડક્શન બાદ 26 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન સમારોહ યોજાશે અને 28 સપ્ટેમ્બરથી ફ્લાઇંગ, ફેમિલિયરાઇઝેશન તથા એક્સચેન્જ સોર્ટી શરૂ થશે. 3 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને C295 ફેસિલિટીની મુલાકાત, 8 ઓક્ટોબરે ઓપન ડે સાથે સ્ટેટિક તથા એરિયલ ડિસ્પ્લે, 10 ઓક્ટોબરે ડિસ્ટિંગ્વિશ્ડ વિઝિટર્સ ડે અને એરિયલ ડિસ્પ્લે તથા 12 ઓક્ટોબરે સમાપન સમારોહ યોજાશે.
‘તરંગ શક્તિ-2026’ ભારત માટે માત્ર હવાઈ કવાયત નહીં પરંતુ મિત્ર દેશોની વાયુસેનાઓ વચ્ચે સંયુક્ત તાલીમ, ઓપરેશનલ તાલમેલ અને પરસ્પર સહકારને વધુ મજબૂત બનાવતું મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહેશે.






