ધો. 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા સ્કૂલ સંચાલકોની માંગ…..

0
633

કોરોનાના કેસ કંટ્રોલમાં આવતા શાળાના સંચાલકોમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા માંગ ઉગ્ર બની છે. શાળાના સંચાલકોનું માનવું છે કે, છેલ્લા દોઢ બે વર્ષથી નાના બાળકોનું શાળામાં શિક્ષણ બંધ છે. શાળામાં ઓફલાઇન શિક્ષણ બંધ રહેવાની સીધી અસર બાળકોના માનસ પર પડી રહી છે. જો આ બાળકોનું ઓફલાઈન શિક્ષણ ઝડપથી શરૂ કરવામાં નહિ આવે તો બાળકો ધીરે ધીરે શાળાથી દૂર થઈ જશે. આવા બાળકોને ઓનલાઇન શિક્ષણ તેઓના આંખો અને મગજ પર અસર કરી રહ્યું હોવાનો મત તબીબો વ્યક્ત કરી રહ્યા છે.

રાજ્યમાં ગત જૂન માસથી ધોરણ 9થી 12 અને ધોરણ 6થી 8ના તબક્કાવાર વર્ગો શાળાઓમાં ઓફલાઇન શરૂ થઈ ગયા છે. જોકે છેલ્લા દોઢ-બે વર્ષથી સદંતર બંધ છે એવા બાળકોના પાયાના શિક્ષણ ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાને લઈ છેલ્લા કેટલાંક સમયથી ગણગણાટ ચાલી રહ્યો છે. જોકે, હવે શાળાના સંચાલકોએ ધોરણ1થી 5ના સ્કૂલ વર્ગો શરૂ કરવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. જોકે વાલીઓ પણ પોતાના બાળકને શાળાએ મોકલવા તો ઈચ્છી રહ્યા છે પણ તે પહેલાં બાળકોને વેકસીન અપાઈ જાય તો બાળકોની સલામતી વધી જાય તેવું માની રહ્યા છે.

રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ જણાવે છે કે, 1થી 5 ધોરણએ બાળકના અભ્યાસનો પાયો છે. દોઢવર્ષ બાળકો શાળાએ ગયા નથી અને જો હજુ શાળાઓ ખોલવામાં નહીં આવે તો બાળકો શાળાએ જવાનું ભૂલી જશે. ઓનલાઇન એજ્યુકેશનમાં બાળકો અભ્યાસ કરવા કરતાં મોબાઈલમાં ધ્યાન આપતા હોય છે. જેથી અભ્યાસ થઈ શકતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here