અમદાવાદના છેવાડે આવેલો દક્ષિણ ભારતના સ્વામી નિત્યાનંદે ખોલેલા સર્વાજ્ઞપીઠમ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાનો અને યુવતી લાપતા હોવાના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. આ વિવાદમાં પોલીસે આશ્રમના સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્ત્વપ્રિયાની ધરપકડ કરી છે. આ વિવાદની શરૂઆત અમદાવાદ સ્થિત આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના આક્ષેપ સાથે થઈ હતી. બેંગુલુરુમાં એક સમયે નિત્યાનંદના સાથી રહી ચૂકેલા જનાર્દન શર્માનો આરોપ છે કે એમનાં ચાર બાળકો આશ્રમમાં હતાં અને તેમને અચાનક અમદાવાદ લઈ આવવામાં આવ્યાં છે. જનાર્દન શર્માનું એવું પણ કહેવું છે કે બાળકોને ગોંધી રાખીને તેમની પાસે મજૂરી કરાવવામાં આવે છે. બીજી તરફ, આશ્રમના સંચાલકોનો દાવો છે કે તેમણે કોઈને ગોંધીને રાખ્યા નથી અને આ પારિવારિક ઘરેલું છે. નિત્યાનંદે એક જાહેર પ્રવચન દરમિયાન ગુજરાતની ઘટનાનો ઉલ્લેખ કરીને ખુલાસો આપવાનો પ્રયાસ કર્યો હતો.