ગુજરાતમાં મેઘ તારાજી સર્જાઈ છે. અનેક વિસ્તારો પાણીડૂબ થયા છે. ત્યારે પીએમ મોદીનો એકદિવસીય ગુજરાત પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે. તેઓ 15 જુલાઈએ ગુજરાત આવવાના હતા. ત્યારે ભારે વરસાદની આગાહી અને પૂરગ્રસ્ત સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે.
પીએમ મોદી 15 જુલાઈએ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવવાના હતા. તેઓ સવારે હિંમતનગરમાં સાબર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના હતા. તેમજ સાબર ડેરીના કાર્યક્રમમાં જનસભાને સંબોધન કરવાના હતા. પરંતુ હાલ તેમના આ કાર્યક્રમ પર રોક લાગી છે.
રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે મહેસૂલ મંત્રીએ સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં SEOC થી મહેસૂલ મંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લાઓની સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી તાગ મેળવ્યો. તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં ગઈકાલ કરતા આજે વરસાદનુ જોર ઘટયું છે. રાજકોટ, જામનગર, કચ્છમાં આવતીકાલે રેડ એલર્ટ છે. આજ સાંજ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર સર્વે શરૂ કરશે. NDRF- SDRF ની 18-18 ટીમ તૈનાત કરાઈ છે. અત્યાર સુધીમાં 511 લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા છે. નર્મદામાં કરજણ નદીના પટમાં 21 લોકોને NDRFએ બચાવ્યા છે. ભારે વરસાદથી 27,896 લોકોનું સ્થળાંતર કરવું પડયું છે. હાલમાં ST ના 14610 માંથી ફક્ત 73 રૂટ બંધ છે. અત્યાર સુધી વીજળી પડવાથી 33 લોકોના મોત થયા છે. વરસાદથી અત્યાર સુધી કુલ 69 લોકોના મોત થયા છે.