કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવા ઉઘરાણીના વિવાદ વચ્ચે સરકારે સ્કૂલ ખુલતા સુધી ફી નહીં વસૂલવાનો ઠરાવ કર્યો છે. ત્યારે ગુજરાત રાજ્યની ખાનગી સ્કૂલોના સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ખાનગી સ્કૂલોના સંચાલકોની આજે બેઠક મળી હતી અને તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, રાજ્યમાં શાળાઓ ખુલે નહીં ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો છે. આ સામે શાળા સંચાલકોને વાંધો છે. કારણ કે, ફી વિના શાળા સંચાલકો, શિક્ષકો, સ્ટાફની ફીથી માંડીને અન્ય ખર્ચા ઉઠાવી ન શકે. અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેના માટે પણ સ્કૂલોને મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે. હવે સ્કૂલ ન ખુલે ત્યાં સુધી ફી ન ઉઘરાવવાની ન હોય તો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરવાનું નક્કી કરાયું છે. આખા ગુજરાતમાં આ નિર્ણય લાગુ પડશે અને તમામ ધોરણમાં આ નિર્ણય લાગુ પડશે. કાલથી સમગ્ર ગુજરાતની ખાનગી શાળાઓ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેશે. ગુજરાતમાં નાની-મોટી 6 હજાર જેટલી ખાનગી સ્કૂલો છે. આ તમામ સ્કૂલોમાં અસર કરતો નિર્ણય લેવાયો છે.