કેનબેરા: ઓસ્ટ્રેલિયાની ચાલુ સત્તાવાર મુલાકાત દરમિયાન ભારતીય નૌસેનાના વડા એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને ઓસ્ટ્રેલિયાના ચીફ ઑફ ડિફેન્સ ફોર્સ એડમિરલ માર્ક હેમન્ડ સાથે કેનબેરામાં મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. બંને દેશોના ટોચના સંરક્ષણ અધિકારીઓ વચ્ચેની આ મુલાકાતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સતત મજબૂત બની રહેલા સંરક્ષણ અને દરિયાઈ સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંડી બનાવવાના મુદ્દે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને દરિયાઈ સુરક્ષા ક્ષેત્રે સહયોગને નવી દિશા આપવા માટે તૈયાર કરવામાં આવેલા Maritime Security Collaboration Roadmapના અમલીકરણ અંગે ચર્ચા થઈ હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયાએ દરિયાઈ ક્ષેત્રમાં બંને દેશોની સશસ્ત્ર દળો વચ્ચે Interoperability એટલે કે પરસ્પર સંકલન અને કામગીરીની ક્ષમતા વધારવા માટેની નવી તકો ઓળખવા અંગે પણ વિચારવિમર્શ કર્યો હતો. બંને દેશો વચ્ચે સંયુક્ત કામગીરી, માહિતીના આદાન-પ્રદાન અને દરિયાઈ સુરક્ષા ક્ષેત્રે સહયોગને વધુ મજબૂત બનાવવાની સંભાવનાઓ પર ભાર મૂકાયો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ મહત્વપૂર્ણ છે. આ સંદર્ભમાં બંને દેશોએ પોતાની વ્યૂહાત્મક સમજૂતીને માત્ર ચર્ચા પૂરતી મર્યાદિત ન રાખીને તેને નક્કર અને પરિણામલક્ષી સહયોગમાં પરિવર્તિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ અને દરિયાઈ ક્ષેત્રે સહયોગ સતત વિસ્તરી રહ્યો છે. આ મુલાકાતને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના વધતા વ્યૂહાત્મક અને નૌસૈન્ય સંબંધોને વધુ મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની આ વધતી ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સ્થિર ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં યોગદાન આપવાનો છે.






