ભારત-કેનેડાએ એકબીજાના રાજદ્વારીની હકાલપટ્ટી કરી….

0
210

ખાલિસ્તાની ઉગ્રવાદના મુદ્દે ભારત અને કેનેડાના સંબંધો મંગળવારે વધુ વણસ્યા હતા. ભારત પર ખાલિસ્તાનની ઉગ્રવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો ગંભીર આરોપ લગાવીને કેનેડાએ ભારતના એક રાજદ્વારીની હકાલપટ્ટી કરી હતી. ભારતે પણ વળતા પગલાં લઇને ભારત ખાતેના કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવાની તાકીદ કરી હતી. ભારતે કેનેડાના આવા દાવાઓને વાહિયાત અને ઇરાદાપૂર્વકના ગણાવીને નકારી કાઢ્યાં હતા. નિજ્જરની જૂન મહિનામાં કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેના ગુરુદ્વારા નજીક અજાણ્યા હુમલાખોરોએ પ્રતિબંધિત ખાલિસ્તાની ટાઈગર ફોર્સ વડા હરદીપ સિંહની ગોળી મારીને હત્યા કરી હતી. ભારતે આ મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીના માથા માટે રૂ.10 લાખનું ઇનામ જાહેર કર્યું હતું.

અગાઉ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેમની સરકાર પાસે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં “ભારત સરકારના એજન્ટો”ની સંડોવણીના “વિશ્વસનીય આરોપો” છે. ભારત સરકારે આ આરોપને વાહિયાત અને ઇરાદાપૂર્વકના ગણાવીને નકારી કાઢ્યો હતો. કેનેડાએ આવો આક્ષેપ કરીને એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યાં હતાં. જેવા સાથે તેવાના અભિગમ સાથે ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને ભારતની આંતરિક બાબતોમાં કેનેડિયન રાજદ્વારીઓની દખલગીરી અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીનો આરોપ મૂકીને હાંકી કાઢ્યા હતાં.દિલ્હીમાં તાજેતરમાં જી-20 સમીટ પછી ભારત અને કેનેડાના સંબંધો વધુ તંગ બન્યાં હતા. G20 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહનને મુદ્દે કેનેડિયન સમકક્ષ જસ્ટિન ટ્રુડોને ખખડાવ્યાં હતા. સંસદમાં વડાપ્રધાન ટુડ્રોએ જણાવ્યું હતું કે “કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારની કોઈપણ સંડોવણી આપણા સાર્વભૌમત્વનું અસ્વીકાર્ય ઉલ્લંઘન છે. તે મુક્ત, ખુલ્લા અને લોકશાહી સમાજજીવનના મૂળભૂત નિયમોની વિરુદ્ધ છે.”