મહિલા ધારાસભ્યોને વિકાસલક્ષી કામો માટે ₹28 કરોડની ગ્રાન્ટ ફાળવાશે

0
39

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધન પર્વ નિમિત્તે રાજ્યની મહિલા ધારાસભ્યો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની 14 મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારોમાં વિકાસલક્ષી કામો હાથ ધરવા માટે કુલ ₹28 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

આ નિર્ણય હેઠળ શહેરી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી 9 અને ગ્રામ્ય વિસ્તારની 5 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને ₹2 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. આ રકમનો મુખ્યત્વે મતવિસ્તારના રોડ-રસ્તા અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવશે.

સરકારના જણાવ્યા મુજબ, આ વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ જે-તે મતવિસ્તારની સ્થાનિક જરૂરિયાત અને પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. ખાસ કરીને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા, કનેક્ટિવિટી સુધારવા અને નાગરિકોને વધુ સારી માર્ગ સુવિધા પૂરી પાડવા માટે આ ફાળવણી ઉપયોગી બનશે.

આ નિર્ણયથી મહિલા જનપ્રતિનિધિઓને પોતાના મતવિસ્તારમાં જરૂરી વિકાસકાર્યોને ઝડપથી આગળ ધપાવવા માટે વધારાના નાણાકીય સંસાધનો ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારના આ નિર્ણયને મહિલા જનપ્રતિનિધિઓના મતવિસ્તારોમાં સ્થાનિક સ્તરે વિકાસને વેગ આપવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.

₹28 કરોડની ફાળવણી મેળવનારી 14 મહિલા ધારાસભ્યોમાં માલતી મહેશ્વરી, પાયલ કુકરાણી, રીટાબેન પટેલ, કંચનબેન રાદડિયા, દર્શના વાઘેલા, ડૉ. દર્શિતા શાહ, ભાનુબેન બાબરિયા, ગીતાબા જાડેજા, રીવાબા જાડેજા, સેજલ પંડ્યા, નિમિષાબેન સુથાર, મનિષા વકીલ, દર્શના દેશમુખ (વસાવા) અને સંગીતા પાટીલનો સમાવેશ થાય છે.