ગુજરાતમાં હાલમાં વિધાનસભાની પેટાચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પાટણ જિલ્લાના રાધનપુરમાં ચૂંટણીસભા સંબોધી હતી.
વિજય રૂપાણીએ દાવો કર્યો કે ગેરકાયદે રહેતા લોકોને કાઢવા માટે કેન્દ્ર સરકારનો દેશભરમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન (NRC) યોજના લાગુ કરવાનો પ્લાન છે.
રેલીને સંબોધન કરતાં રૂપાણીએ એવો પણ આરોપ લગાવ્યો કે કૉંગ્રેસે વોટબેંકની રાજનીતિ માટે ગેરકાયદે લોકોને કાયમી ધોરણે દેશમાં રહેવાની પરવાનગી આપી હતી.
“કૉંગ્રેસે આવી સ્થિતિ પેદા કરી એટલે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.”
મુખ્ય મંત્રી વિજય રૂપાણી કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને હાલમાં રાધનપુર વિધાનસભા પર ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોરના પ્રચાર માટે રાધનપુર આવ્યા હતા.
ગુજરાતમાં છ સીટ માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેમાં રાધનપુરનો પણ સમાવેશ થાય છે.