મોરબીમાં ઝૂલતો પુલ તૂટવા માટે ઓરેવા ગ્રુપ અને કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલને જવાબદાર માનવામાં આવે છે એ ઓરેવા ગ્રુપની મોરબીના રવાપર રોડ પર આવેલી રજિસ્ટર્ડ ઑફિસ પર ગઈ કાલે પોલીસે રેઇડ પાડી હતી, જેમાં ઑફિસમાં રહેલું ઝૂલતા પુલ સંદર્ભનું બધું સાહિત્ય કબજે કર્યું હતું. મોરબીના કલેક્ટર જી. ટી. પંડ્યાને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તપાસ પૂર્ણ થતાં પહેલાં કશું કહી શકાય નહીં.
દુર્ઘટના માટે જવાબદાર ગણીને ઓરેવા ગ્રુપના બે મૅનેજરની ઑલરેડી અરેસ્ટ કરવામાં આવી છે, જ્યારે કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ ઘટનાને પાંચ દિવસ વીતી ગયા પછી પણ સામે આવ્યા નથી કે તેમણે કોઈ નિવેદન પણ આપ્યું નથી.હવે રહે છે અમદાવાદમાં જન્મથી જ મોરબીમાં રહેતા અને મોરબીમાં જ વાર્ષિક ૭૦૦ કરોડનું ટર્નઓવર કરતા ઓરેવા ગ્રુપનું એમ્પાયર ઊભું કરનાર જયસુખભાઈ પટેલ છેલ્લાં બે-ત્રણ વર્ષથી પોતાની ફૅમિલી સાથે અમદાવાદમાં સેટલ થયા છે. ઘટના ઘટી એ સમયે ઓરેવા ગ્રુપના મૅનેજર દીપક પારેખે કહ્યું હતું કે ‘વેકેશન ચાલતું હોવાથી જયસુખભાઈ ફૅમિલી સાથે ફૉરેન ફરવા ગયા છે અને એક-બે દિવસમાં પાછા આવવાના છે. એવું માનવામાં આવે છે કે જયસુખભાઈ ફૉરેનથી પાછા આવી ગયા છે અને અત્યારે મુંબઈમાં છે. જોકે તેમની વિરુદ્ધ ફરિયાદ ન હોવાથી પોલીસે તેમને શોધવાની કે તેમની ભાળ મેળવવાની કોશિશ કરી નથી.