ય-માર્ગને ૪૮.૫૮ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે સ્માર્ટ બનાવવામાં આવશે

0
31

ગાંધીનગર

ગાંધીનગરના હાર્દસમાં અને યાતાયાતથી ધમધમતા ય-માર્ગને સ્માર્ટ રોડ બનાવવામાં માટે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ઋત્વિજ પટેલ અને શહેર ભાજપના અધ્યક્ષ ડો. આશિષકુમાર દવે દ્વારા કરેલી રજૂઆતને રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. આગામી આંતરરાષ્ટ્રીય રમતોત્સવને ધ્યાનમાં રાખીને ય-માર્ગને રૂ. ૪૮.૫૮ કરોડના ખર્ચે સુરક્ષિત અને આધુનિક બનાવવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને અગ્રણીઓની ભલામણને મંજૂરી આપી ૭ કિ.મી. લાંબા ય-માર્ગ પરના પ્રોજેક્ટમાં પર્યાવરણ અને રોડ સેફ્ટીની બાબત પર વિશેષ ભાર મૂક્યો છે. જેમાં છોડ, વૃક્ષો અને ફુવારા સાથે લેન્ડસ્કેપિંગ પણ કરવામાં આવશે. આ માર્ગ વિધાનસભા અને મહાત્મા મંદિર પાસેનાં સ્વર્ણિમ પાર્કને જોડતો હોઈ વાયબ્રન્ટ સહિતના કાર્યક્રમોમાં દેશ-વિદેશમાંથી આવતા મહેમાનો આ માર્ગનો ઉપયોગ કરે છે. જેને પગલે આ રજૂઆત કરવામાં આવી હતી.

સ્માર્ટ ય-માર્ગ પર સાઇકલ ટ્રેક, નવી ફૂટપાથ અને પાણીના નિકાલ માટે રોડ સાઇડ કાસ્ટ સ્ટોર્મ વોટર લાઇન પણ નાખવામાં આવશે. સાથે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા તેમજ અત્યાધુનિક સ્માર્ટ એલઈડી લાઇટો પણ નાખવામાં આવશે.