રથયાત્રાને નિયંત્રણો સાથે મંજૂરી : નિયંત્રણો અંગેની SOP ટૂંકમાં જાહેર થશે

0
647

અમદાવાદની વિખ્યાત ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રાને આ વર્ષે રાજ્ય સરકારે નિયંત્રણો સાથે મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. મંત્રી મંડળની બેઠકમાં રથયાત્રા મુદ્દે ચર્ચા થવા પામી હતી. જેમાં કોરોનાને ધ્યાનમાં રાખતા ખાસ ગાઇડ લાઇન અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકોની ભીડ એકત્ર ના થાય રીતે જનતા કરફ્યૂના માહોલમાં રથયાત્રા માટે લીલી ઝંડી અપાઇ હતી. ગત વર્ષે કોરોના મહામારીના કારણે રથયાત્રાને મંજૂરી અપાઇ ન હતી. જો કે આ વખતે કેસનું પ્રમાણ ઘટી જતા હવે આગામી ૧૨ જુલાઇ અષાઢી બીજે શહેરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની સોશિયલ ડિસ્ટન્સિંગના માહોલમાં રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે તે જાણીને વિશાળ ભક્ત વર્ગમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઇ છે.

અમદાવાદની રથયાત્રાને ગત વર્ષે મંજૂરી આપવામાં આવી ન હતી અને રથ મંદિર પરિસરમાં જ ફર્યા હતા તેના કારણે મંદિરના સાધુ-સંતો સહિત શ્રધ્ધાળુઓમાં નારાજગી જોવા મળી હતી. જો કે કોરોના મહામારીની ગંભીરતાના કારણે સરકારના નિર્ણયને સ્વીકારી લેવાયો હતો. આ વખતે કોરોનાના કેસ નગણ્ય થઇ ગયા છે. અમદાવાદમાં બુધવારે ફક્ત ૧૩ કેસ નોંધાયા છે. તો મંદિરના ટ્રસ્ટીઓ-સાધુઓ પણ આ ‌વખતે રથયાત્રા કાઢવા મક્કમ હતા. લોકોની પણ લાગણી હતી કે આ વખતે ભલે જનતા કરફ્યૂ કે અન્ય નિયંત્રણો સાથે પણ રથયાત્રા માટે મંજૂરી આપવી જ જોઇએ. તેના કારણે સરકારને પણ આ વખતે મંજૂરી આપવાનો નિર્ણય લેવો પડે તેવી સ્થિતિ હતી. જેને ધ્યાનમાં રાખીને મંત્રી મંડળની બેઠકમાં રથયાત્રાને લઇને ચર્ચા કરાઇ હતી. જેમાં કોરોના ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખતા નિયંત્રણો નક્કી કરવામાં આવે તેનું ચૂસ્ત પાલન કરવાની શરત સાથે મંદિર સત્તાવાળાઓને રથયાત્રાને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રથયાત્રા માટે કયા નિયંત્રણો રહેશે તેની એસઓપી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રથયાત્રા માટે મંદિર સત્તાવાળા દ્વારા જોરશોરથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હવે મંજૂરી આપી દેવાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી રથયાત્રાના દિવસે સવારે પહિન્દ વિધિ કરશે. તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ મંગળા આરતીમાં ભાગ લેશે.

રથયાત્રાના રૂટ ઉપર પોલીસ અને એએમસી સત્તાવાળાઓ દ્વારા નિરીક્ષણ પણ કરી દેવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ, પોલીસ અને એએમસી વચ્ચે બેઠકોનો દોર પણ યોજાઇ રહ્યો છે. ગૃહ વિભાગ દ્વારા વધારાના સુરક્ષા દળોને પણ બોલાવી લેવામાં આવ્યા છે. જેથી જનતા કરફ્યૂ જેવી સ્થિતિ માટે શહેરના પોલીસ ફોર્સ ઉપરાંત તેમની મદદ લઇ શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here