વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી…

0
332

અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની Yoga for One Earth One Health અને સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત થીમ સાથે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષના યોગ દિવસે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ૨૧૨૧ યોગ સાધકોના એક સાથે ભુજંગાસન દ્વારા નવો કિર્તીમાન પ્રસ્થાપિત કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું છે.

મુખ્યમંત્રીના દિશાદર્શનમાં આ અગાઉ પણ ગુજરાતે ૨૦૨૩માં ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરત ખાતે એક સાથે ૧.૫૦ લાખ લોકોની સામૂહિક યોગ સાધનાનો વિક્રમ અને ૧લી જાન્યુઆરી ૨૦૨૪ એ એક સાથે ૧૦૮ સ્થળોએ ૫૦ હજાર લોકો દ્વારા સામૂહિક સુર્યનમસ્કારનો વર્લ્ડ રેકર્ડ રચીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું છે. વડનગર ખાતેના આ યોગ દિવસ ઉજવણીમાં CM ભૂપેન્દ્ર પટેલ સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી બન્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહેસાણા જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ અને ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શિશપાલ રાજપુત તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ યોગ સાધકો સાથે સામૂહિક યોગમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણાં ઋષિમુનીઓએ સમગ્ર માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોને પરિણામે આ પ્રાચીન યોગ સંસ્કૃતિને યુનાઈટેડ નેશન્સ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીથી વિશ્વ ભરમાં સ્વિકૃતી મળી છે.