સોમનાથમાં ભકતો માત્ર 25 રૂપિયામાં કરી શકે છે મહામૃત્યુંજય યજ્ઞ

0
391

આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને પુણ્ય કર્મ કહેવામાં આવ્યુ છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે, અથવા સંપૂર્ણ તૈયારી સાથે વિવિધ પ્રકારના યજ્ઞોનું આયોજન કરે છે. પરંતુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં હવે યાત્રા અને યજ્ઞ બંને એક જ જગ્યાએ કરી શકાય છે, તે પણ માત્ર ₹25 ના ખર્ચે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ યજ્ઞ કરવાનું વિચારે છે ત્યારે એક કુશળ પુરોહિત, ઘણી બધી સામગ્રી, અને બીજી ઘણી બધી વ્યવસ્થા કરવાની જરૂર પડે છે. યજ્ઞ જેટલો મોટો તેટલી જ ભક્તોએ વધુ તૈયારીઓ કરવી પડશે. પરંતુ જરૂરી નથી કે દરેક વ્યક્તિ આ બધી તૈયારીઓ કરવા સક્ષમ હોય, આ વિચારને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે મહામૃત્યુંજય યજ્ઞની સેવા માત્ર 25 રૂપિયામાં આપવામાં આવી રહી છે. શાસ્ત્રો કહે છે કે તીર્થસ્થાનમાં કરવામાં આવતી ભક્તિ અનેક ગણું વધુ પુણ્ય આપે છે. જ્યારે ભાવિકો પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરની સામે બનાવવામાં આવેલ યજ્ઞશાળામાં મહામૃત્યુંજય યજ્ઞના યજમાન બની શકે છે. સોમનાથ તીર્થના પૂજારીઓ યજ્ઞમાં યજમાનને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે જોડે છે. યજમાનને તલ વગેરે આહૂતિ દ્રવ્ય પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવે છે. સોમનાથ મંદિરની સામે આવેલી યજ્ઞશાળામાં ભક્તો મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપે છે. શાસ્ત્રો અનુસાર મહાદેવના સાનિધ્યમાં થઈ રહેલો આ મહામૃત્યુંજય યજ્ઞ ભક્તોને તેઓ રાજવી યજ્ઞ કરી રહ્યા હોય તેવો અનુભવ કરાવે છે.