હિંમતનગર યાર્ડમાં ઘઉંના ભાવ મુદ્દે ખેડૂતોનો હોબાળો

0
340

હિંમતનગર માર્કેટયાર્ડમાં વહેલી સવારથી ખેડૂતો ટ્રેકટરોની ટ્રોલી, ડાલા સહિતના વાહનો લઇને ઘઉં ભરી વેચાણ માટે આવતા હોય છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં સ્થાનિક વેપારીઓ દ્વારા જાહેર હરાજી મારફતે ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવે છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં થોડાક દિવસ અગાઉ ઘઉંનો પ્રતિ મણ ભાવ રૂ. ૮૫૦થી ૯૦૦ સુધીનો બોલાયો હતો. મંગળવારે સવારે ઘઉં વેચવા માટે આવેલા ખેડૂતો પાસેથી જાહેર હરાજીમાં ઘઉંની ખરીદી વેપારીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઘઉંનો ભાવ નીચો રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. નીચા ભાવે હરાજી શરૂ કરવામાં આવતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને માર્કેટયાર્ડની કચેરી આગળ ખેડૂતો એકઠા થઇ ગયા હતા અને સમગ્ર હરાજીની પ્રક્રિયા અટકાવી દીધી હતી. રૂપિયા ૩૮૦થી ૪૦૦નો ભાવ પડતાં ખેડૂતોએ હરાજી બંધ કરતાં વેપારીઓ પણ પોતાની દુકાનોમાં જતા રહ્યા હતા. જોકે રોષે ભરાયેલા ખેડૂતોએ માર્કેટયાર્ડમાં હલ્લો મચાવતાં હિંમતનગર એ ડિવીઝન પોલીસ પણ માર્કેટયાર્ડ ખાતે દોડી આવી હતી.આ અંગે કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે, વેપારીઓ દ્વારા નીચા ભાવે હરાજી શરૂ કરાઈ છે તેનો અમો વિરોધ કરીએ છીએ. જોકે આ અંગે હિંમતનગર માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન રાજુભાઇ પંચાલ સહિતના અગ્રણીઓ માર્કેટયાર્ડ ખાતે દોડી આવ્યા હતા અને ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સમાધાન કરાવી હરાજીની કામગીરી ફરી શરૂ કરાવી હતી. આ અંગે માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન રાજુભાઇ પંચાલે જણાવ્યું હતું કે, હિંમતનગર માર્કેટયાર્ડ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને ઘઉંના સૌથી વધુ ભાવ આપી રહ્યુ છે. હરાજી મારફતે ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવે છે. જોકે આ વખતે પલળેલા ઘઉં હોવાથી કેટલાક ખેડૂતોના ઘઉં પાતળા તેમજ કાળી ટીપકીવાળા જોવા મળ્યા છે. જેનો ભાવ નીચો રહે છે. માર્કેટયાર્ડમાં સારા ઘઉંની ખરીદી કરતા વેપારીઓ રૂપિયા ૭૦૦થી ૮૫૦ સુધીના ભાવે ઘઉંની ખરીદી કરે છે. ત્યારે ખેડૂતોને વધુ ભાવ મળે તે માટેના પ્રયાસો પણ માર્કેટયાર્ડ દ્વારા કરવામાં આવ્યા છે. નારાજ ખેડૂતો સાથે વાતચિત કર્યા બાદ ફરીથી હરાજીની કામગીરી શરૂ કરવામાં આવી હતી.