હિરાસર એરપોર્ટ 31 જૂલાઈ સુધીમાં તૈયાર થઈ જવાની આશા…

0
265

રાજકોટ અને સૌરાષ્ટ્રના લાખો લોકોની સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમાન હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થવાની આખરી ગણતરીઓ શરૂ થઈ ચૂકી છે. સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે, જો બધું યોગ્ય રહ્યું તો 31 જૂલાઈ સુધીમાં હિરાસર એરપોર્ટ તૈયાર થઈ જશે અને ઑગસ્ટ માસમાં ધમાકેદાર ઉદ્ઘાટન સમારોહ યોજાઈ ગયા ફ્લાઈટનું સંચાલન શરૂ કરી દેવામાં આવશે. બીજી તરફ એરપોર્ટને હજુ સુધી ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન ઑફ ઈન્ડિયા (ડીજીસીઆઈ) તરફથી ફ્લાઈટના ઉડાન-ઉતરાણ માટે લાયસન્સ ઈશ્યુ કરવામાં આવ્યું નથી. જો કે તે પહેલાં લાયસન્સ ઈશ્યુ કરવા માટેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાથી આખરી તબક્કાના ચેકિંગ માટે ટૂંક સમયમાં ટીમ હિરાસર એરપોર્ટની મુલાકાત લઈને લાયસન્સ ઈશ્યુ કરી શકે છે.

આ અંગે સૂત્રો પાસેથી વધુમાં જાણવા મળેલી વિગતો મુજબ અત્યારે હિરાસર એરપોર્ટનું કામ ચોવીસ કલાક ચાલી રહ્યું છે અને કોઈ પણ ભોગે જૂલાઈ માસના અંત સુધીમાં તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી લેવાનો લક્ષ્યાંક સેવાઈ રહ્યો છે. લક્ષ્યાંકની દિશામાં અત્યારે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે જે કામગીરીની ઝડપ ઉપર સતત મોનિટરિંગ રાખી રહી છે.હજુ જૂલાઈ મહિનો બાકી છે ત્યારે આટલા જ સમયમાં લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે માટે ડીજીસીઆઈની ટીમો રાજકોટ આવીને કામગીરીમાં ઝડપ લાવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંભવત: આજે જ ડીજીસીઆઈની ટીમ રાજકોટ આવીને લાયસન્સ અંગેની પ્રક્રિયાનો પ્રારંભ કરે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. એકંદરે 1 ઑગસ્ટ સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જાય ત્યાં સુધીમાં જૂના એરપોર્ટના અલગ-અલગ યુનિટ હિરાસર એરપોર્ટ ખાસે ખસેડી લેવાની કામગીરી પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હિરાસર એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હોવાને કારણે તેમના હસ્તે જ સૌરાષ્ટ્રને આ મોટી ભેટ મળે તેવા પ્રયાસો પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટના નિર્માણ તેમજ સંચાલનની જવાબદારી જેમના શિરે છે તેવા જનરલ મેનેજર અને ઓપરેશનલ ડાયરેક્ટર સુનિલ શર્મા અત્યારે કામગીરી ઉપર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ જ પ્રકારની ખામી ન રહે તેના ઉપર ભાર આપી રહ્યા છે.