પાટનગરમાં પૂર નિયત્ર્ંણ માટે હાઈટકે સિસ્ટમ અમલમાં મુકાશે

0
343

ચોમાસામાં પુરની સ્થિતિમાં શહેરના મહત્વના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સ્થિતિ નિવારવા ગાંધીનગરમાં પ્રથમવાર ફ્લડ મોબિલિટી ડિસીઝન સપોર્ટ સિસ્ટમ અમલી બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વડોદરા, સુરત, અમદાવાદ જેવા મોટા શહેરોમાં ચોમાસા દરમિયાન પુરની સ્થિતિ સર્જાય છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ જાય છે ત્યારે ગાંધીનગરમાં આ પ્રકારની સ્થિતિ ન ઉદભવે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ હાઇટેક પ્રોજેક્ટ હાથ ધર્યો છે જે શહેરના કુલ 8 સેક્ટરો, નદી કિનારાના બે શહેરી ગામોના કુલ 1400 હેક્ટર વિસ્તારમાં કાર્યરત કરવામાં આવશે. આ પાઇલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો અન્ય વિસ્તારોમાં પણ તેનો અમલ કરવામાં આવશે. ચોમાસામાં પાણી ભરાતાની સાથે જ આ સિસ્ટમ એલર્ટ આપશે. આ ડેટા ગાંધીનગરના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ICCC સાથે જોડાશે જેના આધારે અધિકારીઓ પાણીના નિકાલ માટે અને વૈકલ્પિક રસ્તાઓ માટે ઝડપથી નિર્ણય લઈ શકશે.

ચોમાસામાં ગાંધીનગરના નદીની નજીક આવેલા અને નીચાણ ધરાવતા વિસ્તારોમાં પાણી ભરાવાથી ગતિશીલતા ખોરવાય નહીં તે માટે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગે હાઈ-ટેક પૂર સંચાલન સિસ્ટમ IUFM-DSS લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ સિસ્ટમની મદદથી કયો રસ્તો કેટલા પાણીમાં ડૂબશે તેની માહિતી મળશે. ટ્રાફિક કયા વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવો તેની સચોટ માહિતી રિયલ ટાઈમમાં મળશે. પાયલોટ પ્રોજેક્ટમાં સેક્ટર 8, 9, 10, 18, 19, 20, 21, 30 સામેલ કરાયા છે.

આ સિવાય નદી કિનારે આવેલા ઇન્દ્રોડા અને બોરીજ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 1400 હેક્ટરથી વધુ વિસ્તારને આ ટેકનોલોજીથી સુરક્ષિત કરાશે. આ વિસ્તારો સાબરમતી નદીની નજીક છે. એટલે પૂરનું જોખમ વધારે છે. આ સિસ્ટમ માટે ડ્રોન અને સેન્સર સર્વે કરવામાં આવશે.