દેશની રાજધાની દિલ્હી અને આસપાસના એનસીઆર (નોઇડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદ) વિસ્તારમાં બુધવારે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસતા લોકોને ગરમી અને ભેજમાંથી રાહત મળી હતી. જોકે, વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને ઓફિસ જતાં કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી બે દિવસ માટે યેલો એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
IMDના જણાવ્યા મુજબ દિલ્હી-એનસીઆરમાં આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને 30થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભારે વરસાદના કારણે દિલ્હીના અનેક મુખ્ય માર્ગો, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકોને લાંબા ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. ગુરુગ્રામ અને નોઇડાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહનો ધીમી ગતિએ આગળ વધતા જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની અને વીજ પુરવઠો ખોરવાવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી.






