હવેલી સંગીતના કલાકાર રણછોડલાલજી ગોસ્વામીને ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર

0
114

ગાંધીનગર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. હવેલી સંગીત પરંપરાના પ્રતિષ્ઠિત યુવા કલાકાર રણછોડલાલજી ગોસ્વામીને સંગીત ક્ષેત્રના પ્રતિષ્ઠિત **’ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર’**થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન તેમની સંગીત સાધના, પુષ્ટિમાર્ગની હવેલી સંગીત પરંપરાના સંવર્ધન માટેના સતત પ્રયાસો તેમજ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમના નોંધપાત્ર યોગદાનની કદરરૂપે એનાયત કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ માત્ર ગાંધીનગર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત બની છે.

હવેલી સંગીત પુષ્ટિમાર્ગની ભક્તિ પરંપરાનો અભિન્ન ભાગ છે, જેમાં શ્રીકૃષ્ણની આરાધના માટે વિવિધ રાગો, પદો અને કીર્તનોનું ગાયન કરવામાં આવે છે. આ સંગીત પરંપરા અનેક સદીઓથી ભારતીય સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવતી આવી છે. આધુનિક યુગમાં પશ્ચિમી સંગીતના વધતા પ્રભાવ વચ્ચે હવેલી સંગીત જેવી પરંપરાગત કલાઓને જીવંત રાખવાનું કાર્ય અત્યંત પડકારજનક બન્યું છે. આવા સમયમાં રણછોડલાલજી ગોસ્વામીએ પરંપરાગત સંગીતને નવી પેઢી સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નો કર્યા છે.