ગાંધીનગરનાં CRPF કેમ્પમાં પલંગ પર સૂતા સૂતા જ સબ ઈન્સપેક્ટરે પોતાને ગોળી મારી

0
187

ગાંધીનગર સ્થિત CRPF કેમ્પમાં એક સબ ઈન્સપેક્ટરે પોતાની જ બંદૂકથી ગોળી મારીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને સમગ્ર કેમ્પમાં ચકચાર મચી જવા પામી છે. ચીલોડા પોલીસે આ મામલે ગુનો નોંધીને પરિવારજનો સહિત કેમ્પના કર્મચારીઓની પુછપરછ શરૂ કરી છે. મૂળ દસક્રોઈના બીલાસીયાં ગામના વતની કિશનભાઈનો પરિવાર અમદાવાદ રખીયાલ સૂર ધારા સોસાયટી ખાતે રહે છે. એક વર્ષ પછી કિશનભાઈ રિટાયર્ડ થવાના હતા અને બે દિવસ અગાઉ જ પરિવારને મળવા માટે ઘરે ગયા હતા. આજે તેઓ પોતાની ફરજ ઉપર હાજર હતા. એ વખતે બેરેક QATમાં લોખંડનાં પલંગ ઉપર તેઓ સૂઇ ગયા હતા. તેમણે પોતાની AK-47 ગનથી ફાયરિંગ કરી આત્મહત્યા કરી હતી. કેમ્પમાં અચાનક ફાયરીંગનો અવાજ આવતા અન્ય જવાનો દોડી આવ્યાં હતા અને ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી કિશનભાઈનાં પગનું હાડકું વધી રહ્યું હતું. જે બીમારીના કારણે કિશનભાઈ પીડિતા હતા. પરિવારની પૂછપરછ કરતાં હાલમાં કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તેમજ સાથી કર્મચારીઓની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.