NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર – સી.પી. રાધાકૃષ્ણન

0
3431

મહારાષ્ટ્રના રાજ્યપાલ ચંદ્રપુરમ પોનુસામી રાધાક્રિશ્નને એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) દ્વારા ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તમિલનાડુ ભાજપના દિગ્ગજ નેતા રાધાક્રિશ્નન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પક્ષના સંસદીય બોર્ડની બેઠક બાદ રાધાક્રિશ્નનના નામની જાહેરાત કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગઠબંધનના સાથી પક્ષોના નેતાઓના સૂચનો બાદ નિર્ણય લેવાયો હતો. 67 વર્ષના રાધાક્રિશ્નન ઓબીસી સમુદાયના અગ્રણી છે. તેઓ બે વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. નડ્ડાએ રાધાક્રિશ્નનની બિનહરિફ વરણી માટે અપીલ કરતા જણાવ્યુ હતું કે, ભાજપના નેતાઓએ વિરોધ પક્ષ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે અને હજુ વાટાઘાટો ચાલી રહી છે. નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, શાસક ગઠબંધનના ઉમેદવાર જાણ્યા પછી જ વિપક્ષે કોઈ નિર્ણય લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી હવે આ મામલે ફરી વિપક્ષનો સંપર્ક સાધવામાં આવશે.