PCBએ સટ્ટાબાજી-ડબ્બા ટ્રેડિંગમાં ₹1800 કરોડના હવાલા રેકેટનો કર્યો પર્દાફાશ

0
276

શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ (PCB)એ શનિવારની સાંજે માધવપુરા વિસ્તારમાં કોમર્શિયલ સેન્ટરમાં આવેલી ઓફિસમાં દરોડા પાડ્યા હતા અને ક્રિકેટ સટ્ટા તથા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ કર્યો હતો. પીસીબીએ દરોડા પાડીને રુપિયા 1800 કરોડના હવાલા વ્યવહારનો પર્દાફાશ કર્યો હતો. પીસીબીના અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરના ચાર લોકોને દેશ અને દુબઈથી વિવિધ સટોડિયાઓ દ્વારા રેકેટ ચલાવવાના આરોપમાં ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ 2021થી આ સ્કેમ ચલાવી રહ્યા હતા. તેઓ હવાલાની લેણદેણ માટે સામાન્ય લોકોનાં બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. એટલું જ નહીં આરોપીઓએ વ્યવહારો માટે વિવિધ ડમી કંપનીઓ પણ બનાવી હતી.માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અને પીસીબીના એએસઆઈ જગદેવસિંહ ચરણના જણાવ્યા મુજબ, હર્ષિત જૈન નામનો શખસ સુમેલ બિઝનેસ પાર્ક-6માં આવેલા જે બ્લોકમાં મહાવીર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવે છે, તે ઓનલાઈન સટ્ટાબાજી, ડબ્બા ટ્રેડિંગ સાથે લગભગ 540 બેંક એકાઉન્ટ પણ સાચવતો હતો. આ સિવાય આરોપી જૈન અન્ય બુકીઓ સાથે મળીને ક્રિકેટ સટ્ટો પણ ચલાવતો હતો અને જીતેલી રકમ ડમી બેંક એકાઉન્ટ દ્વારા દુબઈ ટ્રાન્સફર કરતો હતો. તેણે વિવિધ વ્યક્તિઓના સિમ કાર્ડ્સ અને વિવિધ ડોક્યુમેન્ટ પણ મેળવ્યા હતા.