વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના ઉર્જા વિભાગની ભરતીમાં મોટા આક્ષેપો બાદ અરવલ્લી જિલ્લા પોલીસ વડા તપાસના આદેશ આપ્યા બાદ ત્રણ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે જેમાં તપાસના પ્રારંભમાં જ ધનસુરામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જીતપુર ગામના અરવિંદ પટેલની પોલીસે અટકાયત કરી લીધી હતી જ્યારે પ્રાંતિજ ખાતે આવેલ સી.કે.પટેલ કેમ્પસમાં ગ્લોબલ ઇન્સ્ટિટયૂટ દ્વારા લેવામાં આવી રહેલી જેટકોની પરીક્ષાનું પેપર આપવા આવેલા પરીક્ષાર્થીની કાર નંબર સાથે નામ જાહેર કરાતા પોલીસે વિદ્યાર્થીને પુછપરછ માટે લઇ આવી હતી. જ્યારે ઊર્જા વિભાગના ભરતી કૌભાંડમાં ભાજપના નેતાનું નામ ખુલતાં હડકંપ મચી ગયો છે.
વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ દ્વારા મંગળવારે ગાંધીનગરમાં પ્રેસ-કોન્ફરન્સ કરીને ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ઊર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે એમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ 5 વિભાગમાં ગેરરીતિ થઈ છે. લાખો રૂપિયા ખર્ચીને નોકરી એ ચઢી ગએલાઓ પણ મૂંઝવણમાં મુકાયા. છેલ્લા 3 વર્ષના ગાળામાં ઉર્જા વિભાગમાં 14 લાખથી માંડીને 21 લાખ રૂપિયા ચૂકવીને મિટર રીડર,ક્લાર્ક,ટેક્નિકલ વિભાગ સહિતના વિભાગોમા ઘુસી ગયેલા મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓમાં છૂપો ફફડાટ વ્યાપી ગયો છે,આ કૌભાંડની તપાસ જો ખરેખર તટસ્થતાથી કરવામાં આવશે તો કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કરતાં વચેટીયાઓ અને અધિકારીઓની સાંઠ ગાંઠ પણ બહાર આવશે તેમા કોઈ જ બેમત નથી.