ગાંધીનગર માટે ધનતેરસ બની વિકાસતેરસ

0
1186

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના હસ્તે ગાંધીનગર શહેર-જિલ્લામાં બે દિવસમાં રૂ. ૧૩૭૮ કરોડના વિકાસ કામો ૩૧ હજારથી વધુ લાભાર્થીઓને લાભ મળશે
▪ગાંધીનગરને રાજ્યના પ્રથમ કેરોસીન ફ્રી જિલ્લાનું ગૌરવ અપાવતા ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ
▪ગાંધીનગર સંસદીય મત ક્ષેત્રમાં ૧૦ કિ.મી. વિસ્તારમાં આયુષ્યમાન ભારતનો લાભ ગરીબ-વંચિત પરિવારોને મળી રહે તેવું આયોજન કરવાની નેમ વ્યકત કરતા કેન્દ્રીય મંત્રીશ્રી
▪ગુજરાતમાં ‘સૌ સુખી તો સુખી આપણે’ના મંત્રી સાથે ગરીબ-વંચિત-પીડીત-શોષિતના સર્વગ્રાહી કલ્યાણની પ્રતિબદ્ધતા સાથે સરકાર કર્તવ્યરત છે:- મુખ્યમંત્રીશ્રી
▪ભૂતકાળમાં યુ.પી.એ સરકારે ગુજરાતને કરેલા અન્યાય સામે હવે સવાયું આપીને ગુજરાતની વિકાસયાત્રા શ્રી નરેન્દ્રભાઇ – શ્રી અમિતભાઇએ વેગવાન બનાવી છે:-નાયબ મુખ્યમંત્રીશ્રી
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં એક જ દિવસમાં રૂ. ૫૦૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.

તેમણે તેમના મતક્ષેત્રના દ્વિદિવસીય પ્રવાસ દરમ્યાન કુલ ૧૩૭૮ કરોડના વિકાસકામો અને ૩ર હજારથી વધુ લાભાર્થીને લાભ મળવાના છે તેમ પણ આ પ્રસંગે ઉમેર્યુ હતું.

તેમણે આ અવસરે ઉજવલા યોજના તહેત ગાંધીનગર જિલ્લાની ગ્રામીણ-ગરીબ બહેનોને ઉજવલા યોજનાના લાભ આપતાં પાટનગરને રાજ્યના પ્રથમ કેરોસીન ફ્રી જિલ્લાનું ગૌરવ અપાવ્યું હતું.

ગૃહ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ગરીબ-ગ્રામીણ પરિવારોના જીવનમાં સુખનો સૂરજ લાવવાની સંકલ્પબદ્ધતા સાથે ઉજવલા યોજના, આયુષ્યમાન ભારત, સૌને માટે આવાસ જેવી ગરીબ કલ્યાણ યોજનાઓ સફળતાપૂર્વક પાર પાડી છે.

તેમણે આયુષ્યમાન ભારત યોજના અન્વયે પ૦૦ જેટલા લાભાર્થીઓને રૂ. પાંચ લાખ સુધીની આરોગ્ય સારવાર વિનામૂલ્યે પૂરી પાડવાનો પણ આરંભ કરાવ્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, દેશના ૫૦ કરોડ પરિવારો એવા હતા કે જ્યારે ગંભીર બિમારી આવે ત્યારે પૈસાના અભાવે સારવાર કરાવી શકતા નહોતા અને કોઇને મા / બાપ કે દિકરી/ દિકરો ગુમાવવો પડતો હતો. આવા સમયે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયુષ્માન ભારત યોજના મૂકી. જેમાં રૂ.૫ લાખની આરોગ્ય સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.

ગૃહ મંત્રીશ્રીએ તેમના સંસદીય મતક્ષેત્રના હરેક જરૂરતમંદ વ્યકિતને આયુષ્યમાન ભારતનો લાભ સરળતાએ મળે તે માટે પાટનગર જિલ્લામાં ૧૦ કિ.મી.ના અંતરે આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલી હોસ્પિટલ, રૂગ્ણાલયો હોય તેવા આયોજનની નેમ પણ વ્યકત કરી હતી.

શ્રી અમિતભાઇ શાહે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ ઘર-ઘર શૌચાલય અને ઉજવલા યોજના દ્વારા ધૂમાડામુકત રસોઇ ધરની જે ગરીબલક્ષી યોજના કરી છે તેના પરિણામે ગરીબ-દરિદ્રનારાયણના સ્વાસ્થ્યમાં ૭૦ ટકાનો સુધારો થયો છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, તેમણે ઉમેર્યું કે, આઝાદી બાદ ૭૦ વર્ષમાં અનેક સરકારો-વડાપ્રધાનો આવ્યા અને ગયા પણ ગરીબના ઘરમાં ચૂલો સળગતો જેના થકી માતા-બહેનોને ધૂમાડો ખાવો પડતો હતો. માત્ર મોદી સરકારે જ ભગીરથ કાર્ય કર્યું. અગાઉ ૭૦ વર્ષમાં ૧૩ કરોડ ગેસ સીલીન્ડર જ આપ્યા હતા તેમાંથી ૧૦ કરોડ તો માત્ર શહેરી વિસ્તારમાં આપ્યા અને ગ્રામીણ વિસ્તારમાં ૩ કરોડ જ હતા. જ્યારે ૨૦૧૪માં વડાપ્રધાનપદે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શાસનધુરા સંભાળીને સપનું સેવ્યું હતું કે, મારી માતા-બહેનોને રસોડામાં ધૂમાડો વેઠવો ન પડે એ માટે માત્ર પાંચ જ વર્ષમાં ૧૩ કરોડ ગેસ સીલીન્ડર આપ્યા તેમાં ૮ કરોડ તો ગ્રામ્ય વિસ્તારોમાં આપ્યા છે.

કેન્દ્રીય મંત્રી શ્રી શાહે ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ પરિવારમાં જન્મ લીધો છે. ગરીબ વર્ગમાં જન્મ લઇને આજે વડાપ્રધાન બન્યા છે. એમણે સાચા અર્થમાં ગરીબી જોઇ છે એટલે જ આજે ગરીબોના ઘરમાં સોનાનો સૂરજ ઉગે એ માટે મથામણ કરી રહ્યા છે. અનેકવિધ યોજનાઓ ગરીબોને કેન્દ્રમાં રાખીને બનાવી છે. જેના પરિણામે દેશના નાગરિકોએ ફરીથી સમગ્ર દેશનું સુકાન તેમને સોંપ્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસે ગરીબી હટાવવાનો નારો આપ્યો હતો પરંતુ તેઓએ ગરીબોને જ હટાવી દીધા. શ્રી નરેન્દ્રભાઇએ ગરીબોને ઘર, ગેસ, વીજળી, બેન્ક એકાઉન્ટ, આરોગ્ય કાર્ડ આપ્યા અને વર્ષ-૨૦૨૪ સુધીમાં દેશના તમામ નાગરિકોને ઘરે ઘરે નળ દ્વારા શુદ્ધ ગુણવત્તાયુક્ત પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે અને એ પરિપૂર્ણ કરાશે એવો તેમને દ્રઢ વિશ્વાસ છે. આ માટે કેન્દ્ર સરકારમાં અલાયદું પેયજળ મંત્રાલય કાર્યાન્વિત કરી દેવાયું છે.

શ્રી શાહે કહ્યું કે, આ તમારો સાંસદ કાયમ માટે તમારો ઋણી રહેશે તમે જે ઐતિહાસિક જીત અપાવી છે તે બદલ આપના કોઇપણ સામાજિક પ્રસંગ હશે તો ચોક્કસ પહોંચવાનોં પ્રયાસ કરીશ. ગાંધીનગર શહેર અને જિલ્લાના વિકાસને પ્રાધાન્ય આપવું એ મારો મંત્ર રહેશે. આ માટે ગાંધીનગર ખાતે અલાયદું કાર્યાલય કાર્યરત કરી દેવાયું છે અને આ સંસદીય ક્ષેત્ર દેશના વિકાસ કામોનું સર્વોત્તમ સંસદીય ક્ષેત્ર બની રહે તેવા મારા પ્રયાસો રહેશે. આ બે દિવસ દરમિયાન ગાંધીનગર-અમદાવાદમાં ૧૩૭૮ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત, ભૂમિપૂજન સહિત ૩૨ હજારથી વધુ લોકોને વ્યક્તિગત સહાય આપવામાં આવી છે એ બદલ તેમણે વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર જિલ્લાના નગરજનો માટે દિપાવલીના પર્વના પ્રારંભની ધનતેરસ વિકાસતેરસ બની છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઇના નેતૃત્વમાં ‘‘સર્વજન હિતાય સર્વજન સુખાય’’ની સુશાસન ભાવનાની ગુજરાત જ નહિં સમગ્ર દેશના ગરીબ, વંચિત, દરિદ્રનારાયણ, પીડિત-શોષિત જનોને પ્રતીતિ થઇ રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગરીબોને સસ્તા દરે પરંતુ ટકાઉ અને સુવિધાયુકત પાકા આવાસ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાતે લીડ લીધી છે અને ર૦રર પહેલા જ સૌને આવાસનો લક્ષ્યાંક પૂર્ણ કરવો છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ આવાસોમાં લીફટ, મોકળાશભર્યા રૂમ, નળ કનેકશન સહિતની સુવિધા સાથે પાકા મકાનો બનાવવામાં આવે છે તેની પણ ભૂમિકા આપી હતી..

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં નિરાધાર પરિવારો માટે રેનબસેરા-શેલ્ટર હોમના નિર્માણની સરાહના કરતાં કહ્યું કે, રાજ્યમાં આવા રેનબસેરા બનાવી શહેરોમાં આવતા અતિગરીબ-વંચિત પરિવારોને કામચલાઉ રહેઠાણ આપવાની પણ આપણી નેમ છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં સામાન્ય માનવી, ગરીબ-વંચિત સહિત સૌના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતાં જણાવ્યું કે, લોકોની આશા-અપેક્ષા સંતોષી ‘સૌ સુખી તો સુખી આપણે’ના મંત્ર સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર જનસેવા માટે સતત કર્તવ્ય પથ પર આગળ વધતી રહેશે.

તેમણે આવાસના લાભાર્થીઓ, વૃધ્ધ સહાય યોજના, ઉજવલા યોજના, આયુષ્યમાન ભારત યોજના વગેરે યોજનાના લાભ-વિતરણ મેળવનારા હરેક લાભાર્થીઓને સ્વસ્થ જીવન સાથે નવા વર્ષ અને દિપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાતની પ્રગતિ વધુને વધુ સમૃદ્ધ બને એ માટે લક્ષ્મીજીની કૃપા આપણા પર રહે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ કે જેઓ આપણા ગાંધીનગરના સાંસદ છે તેઓ ગાંધીનગરની ચિંતા કરે એ વ્યાજબી છે. તેમણે કહ્યું કે, દેશના વિકાસ અને સુરક્ષા માટેની જવાબદારી ગુજરાતના આ બે પનોતા પુત્રોના શિરે છે ત્યારે સંસદ તરીકે ગરીબ, વંચિત લોકો માટે જે ચિંતા કરી છે તે સૌ માટે ગૌરવ રૂપ છે.

શ્રી પટેલે ઉમેર્યું કે, ગાંધીનગરના નાગરિકોએ દેશભરમાં ઐતિહાસિક લીડ- મતો અપાવીને દેશની  જવાબદારી સોંપી છે ત્યારે તેને તેઓ સુપેરે નિભાવી રહ્યા છે. ગાંધીનગર રાજ્યનું પાટનગર વૈશ્વિકકક્ષાનું બને એ જરૂરી છે તે માટે લોકોને વિકાસ કામોનો લાભ આપવાનો નિર્ધાર કર્યો છે અને આજે ૪૦૦ કરોડથી વધુના વિકાસ કામો ગાંધીનગરને આપ્યા છે. એ માટે હું આપ સૌ વતી એમનો આભાર માનુ છું.

શ્રી પટેલે કહ્યું કે, ભૂતકાળમાં યુ.પી.એ. સરકારે ગુજરાતને અન્યાય કરવામાં કંઇ બાકી રાખ્યું નહોતું, પરંતુ આપણા નરેન્દ્રભાઇ અને અમીતભાઇએ સવાયું આપીને ગુજરાતની વિકાસ યાત્રાને વધુ ને વધુ વેગવાન બનાવી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ વિકાસ યોજનાઓના લાભોથી આપણું ગુજરાત અને તેમાં પણ પાટનગર ગાંધીનગર વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય એ માટેના પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે આપણું ગાંધીનગર પ્રગતિશીલ, સ્વચ્છ, હરિયાળુ અને ભવ્ય-દિવ્ય ગાંધીનગર બને એ માટે સૌના  સહિયારા પ્રયાસો જરૂરી છે.

આ કાર્યક્રમમાં કેરોસીન ફ્રી ગાંધીનગરના લાભાર્થીઓને રૂ.૩૮.૩૭ લાખની કીટ વિતરણ, વિધવા સહાયના ૧૨૨૩ મહિલાઓને, તેમજ વૃદ્ધ સહાયના ૫૯ વૃદ્ધ લાભાર્થીઓને રૂ.૧.૫૨ કરોડના મંજૂરી પત્રો, આયુષ્યમાન ભારત કાર્યક્રમના લાભાર્થીઓને કાર્ડ વિતરણ, કુડાસણ ખાતે રૂ.૨.૮૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર શેલ્ટર હોમનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેનો ૧૩૮ લાભાર્થીઓને લાભ મળશે. ગાંધીનગર સ્માર્ટ સિટી યોજના હેઠળ રૂ.૮૦ કરોડના ખર્ચે રોડ નંબર -૬ અને ૭ તથા ગ-રોડ સ્માર્ટ રોડ કામગીરીનું ઇ-ખાતમુહૂર્ત, ગાંધીનગર સ્માર્ટ સિટી યોજના હેઠળ રૂ.૮૩.૨૩ કરોડના ખર્ચે  ઘ-૪ જંકશન અને ગ-૪ જંકશન ખાતે અન્ડરપાસના કામોનું ઇ-ખાતમુહૂર્ત, રૂ. ૭૦ કરોડના ખર્ચે ઈન્ટિગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઇ-લોકાર્પણ, રૂ. ૭૬.૮૫ કરોડના ખર્ચે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત કુડાસણ ખાતે નિર્માણ થયેલા એમ.આઈ.જી પ્રકારના ૪૮૦ આવાસોની સોંપણી, રૂ.૨૯.૬૯ કરોડના ખર્ચે કુડાસણ-સરગાસણ-રાયસણ અને વાવોલ ખાતેની ટીપી સ્કીમોમાં પાણી પુરવઠો પૂરો પાડવાના કામોનું ઇ-લોકાર્પણ અને રૂ.૩.૭૫ કરોડના ખર્ચે કુડાસણ-સરગાસણ તથા રાયસણ ખાતેની ટીપી સ્કીમોમાં નિર્મિત બગીચાઓનું ઇ-લોકાર્પણ સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યા હતા.

મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, ધારાસભ્યો સર્વેશ્રી જીતુભાઇ વાઘાણી, શંભુજી ઠાકોર, બલરાજસિંહ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલ સહિતના પદાધિકારીઓ, ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. કુલદીપ આર્યા, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી ડૉ. રતનકંવર ગઢવીચારણ, ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી શ્રી જી.સી.બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીશ્રીઓ સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here