કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. 5 જૂનના રોજ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 510 કેસ નોંધાયા હતા. જે ગુજરાતમાં એક જ દિવસમાં અત્યાર સુધીના કોરોનાના સર્વોચ્ચે કેસની સંખ્યા છે. બીજી બાજુ ગુજરાતમાં 400થી વધારે કેસ નોંધાયા હોય તેવો આ છઠ્ઠી વખત બન્યું હતું. સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 19119 થઈ છે. ગુજરાતમાં 4 જૂનના રોજ વધુ 33 લોકોના મોત સાથે ગુજરાતમાં કુલ મોતની સંખ્યા 1155એ પહોંચી છે. જ્યારે ગુજરાતમાં 455 સહિત કુલ 12667 લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામં આવેલી વિગતો અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૧ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૨૯૧ કેસનો સમાવેશ થાય છે. આ સાથે જ અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૩૩૫૪ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકની આ સ્થિતિ પ્રમાણે અમદાવાદમાં પ્રત્યેક કલાકે સરેરાશ ૧૨ નવા કેસ નોંધાઇ રહ્યા છે તેમ કહી શકાય. જ્યારે ગુજરાતમાં પ્રત્યેક કલાકે 20 નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ સિવાય જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં ૮૧ સાથે સુરત, ૩૯ સાથે વડોદરા, ૨૧ સાથે પાટનગર ગાંધીનગરનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઉપરાંત મૃત્યુઆંકમાં વધારો પણ જારી રહ્યો છે.