મધ્ય પ્રદેશઃ ખરગોનમાં મુસાફરોથી ભરેલી બસ 50 ફૂટ ઊંચા પુલ પરથી નદીમાં પડી

0
244

મધ્ય પ્રદેશના ખરગોનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોને લઈને જઈ રહેલી એક બસ 50 ફૂટ ઊંચા પુલ પરથી નદીમાં જઈને પડી હતી. જે બાદ બસમાં સવાર મુસાફરોની ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી. આ ભીષણ અકસ્માતમાં 15 લોકોનાં મોત થયા છે અને કેટલાંક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બસમાં 35થી પણ વધારે મુસાફરો સવાર હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ સ્થાનિક તંત્ર અને પોલીસને થતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સાથે જ આ દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખેસડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે જ બચાવ કાર્ય પણ હાથ ધરાયુ હતુ.પ્રાપ્ત જાણકારી મુજબ, શ્રીખંડીથી ઈન્દોર જઈ રહેલી એક બસ મંગળવારની સવારે દસંગા, ડોંગરગાંવ વચ્ચે બોરાડ નદીના પુલની રેલિંગ તોડીને નીચે જઈને પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, એમએસટી હિરામણી ટ્રાવેલ્સની આ બસમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. મૃતકોમાં બસનો ડ્રાઈવર, કંડક્ટર અને ક્લીનર પણ સામેલ છે. દુર્ઘટનાની જાણ થતાં જ ખરગોનના એસપી, કલેક્ટર અને ધારાસભ્ય ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ખરગોન જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.