રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 10ની પરીક્ષાનું પરિણામ 60.64 ટકા જાહેર થયું છે. ધોરણ-10ની પરીક્ષામાં કુલ 7,92,942 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4,80,845 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી 56.53 ટકા છોકરાઓ જ્યારે 66.02 ટકા છોકરીઓ ઉત્તિર્ણ થઇ છે. રાજ્યમાં સૌથી વધુ પરિણામ સુરત જિલ્લો ધરાવે છે. સુરતમાં 74.66 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું છે. દાહોદ જિલ્લાનું પરિણામ 47.47 ટકા છે. એવી જ રીતે રાજ્યમાં સૌથુ ઉંચુ 94. 78 ટકા પરિણામ બનાસકાંઠાના સપ્રેડા કેન્દ્રનું છે. જ્યારે સૌથી ઓછું 14.09 ટકા પરિણામ દાહોદ જિલ્લાના રુવાબારી કેન્દ્રનું છે. અમદાવાદની વાત કરીએ તો શહેરનું 65.51 ટકા અને ગ્રામ્યનું પહેલા કરતા ઉંચુ 66.07 ટકા પરિણામ આવ્યું છે.