ગુજરાતમાં આગામી બે દિવસ કોલ્ડવેવ રહેશે

0
528

નૉર્મલમાંથી માત્ર ચાર જ દિવસમાં ગુજરાતમાં હાડકાં ગાળે એવી ઠંડી શરૂ થતાં ગુજરાતભરમાં દેકારો મચી ગયો છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આ કોલ્ડ વેવ હજી અકબંધ રહેશે અને આવતાં મિનિમમ ત્રણથી ચાર દિવસ કાતિલ ઠંડીનો અનુભવ ગુજરાતમાં થશે. ગુજરાત હવામાન વિભાગની આ આગાહી પછી ગુજરાત સરકારે પણ મોડી રાતની બસના રૂટનાં ટાઇમિંગ ચેન્જ કર્યાં છે તો સાથોસાથ મોડી રાતે ફરજિયાત ટ્રાવેલ કરવું પડ્યું હોય એવા પૅસેન્જરને સરકારી ગેસ્ટહાઉસમાં આશ્રય આપવાનો આદેશ આપ્યો છે.
ચાર દિવસ પહેલાં ગુજરાતનું ઍવરેજ લઘુતમ તાપમાન ૧૯.૭ ડિગ્રી હતું પણ અચાનક કોલ્ડ વેવ શરૂ થતાં લઘુતમ તાપમાનનો આ આંકડો ગઈ કાલે છેક ૧૧.૪ ડિગ્રી પર આવી ગયો હતો. ઍવરેજ લઘુતમ તાપમાનમાં ૮.૩ ડિગ્રીનો ઘટાડો થયો હતો તો અમુક શહેરોના લઘુતમ તાપમાનમાં તો દસથી બાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જેને કારણે ઠંડીની તીવ્રતા જબરદસ્ત વધી હોય એવો અનુભવ થતો હતો.
ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ત્રણથી ચાર દિવસ ગુજરાતમાં કોલ્ડ વેવ અકબંધ રહે એવી સંભાવના છે. ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું હતું. નલિયામાં ૪.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જ્યારે રાજકોટમાં ૮.૯ ડિગ્રી, અમરેલીમાં ૯ ડિગ્રી, અમદાવાદમાં ૧૧.૭ ડિગ્રી અને સુરતમાં ૧૪.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here