આગામી દિવાળી પર્વને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન

0
1043

ગાંધીનગર:આગામી દિવાળી પર્વને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને પર્વ દરમ્યાન જિલ્લામાં કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ચોરી અને લૂંટના બનાવો અટકાવવા માટે પેટ્રોલીંગ વધારવા તાકીદ કરાઈ છે તો મુખ્ય બજારો, બેંક એટીએમ, સોનાચાંદીના વેપારીઓની દુકાનો આસપાસ ખાનગી વેશમાં પોલીસને રાખવા પણ સૂચના અપાઈ છે.

દિવાળીના પર્વ દરમ્યાન વેકેશનના માહોલમાં મોટાભાગના પરિવારો પોતાનું મકાન બંધ કરીને બહારગામ જતાં હોય છે ત્યારે આવા સંજોગોમાં બંધ મકાનો ઉપર તસ્કરોનો ડોળો હોય છે અને ઘરફોડ ચોરીના બનાવો બનતાં હોય છે ત્યારે દિવાળી પર્વ દરમ્યાન જિલ્લામાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી જિલ્લાના અધિકારીઓ સાથે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

જેમાં દિવાળી પર્વ દરમ્યાન આંગડીયા વેપારીઓને જરૂર પડે તો પ્રોટેકશન આપવા માટે જણાવાયું હતું એટલું જ નહીં સોનાચાંદીના વેપારી, મોટા ઉદ્યોગગૃહો તેમજ બેંકો આસપાસ વિશેષ પેટ્રોલીંગ કરવા માટે પણ જણાવાયું હતું. લૂંટ અને પીક પોકેટીંગના બનાવો અટકાવવા માટે જિલ્લાના મુખ્ય બજારો ઉપર પણ નજર રાખવા માટે કહેવાયું છે. ઘરફોડ ચોરી  અટકાવવા મકાન માલિકોને બંધ મકાન અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સાથે તેમને સાયરનવાળું લોક પણ પોલીસ દ્વારા ડીપોઝીટ આપી ફાળવવાનું નકકી કરાયું છે.

ચેઈન સ્નેચીંગના બનાવો અટકાવવા માટે અગાઉ ઝડપાયેલા ચેઈન સ્નેચરો ઉપર વોચ રાખવા માટે તેમજ સ્પીડ બાઈક ઉપર મોઢું બાંધીને ફરતાં તત્ત્વોનું ચેકીંગ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી. તો આ દિવાળી પર્વ દરમ્યાન પરપ્રાંતમાંથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે તેને અટકાવવા માટે પણ બાતમીદારોને સક્રિય કરી આવા દારૂનો પકડવા તાકીદ કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here