ગાંધીનગર રાજ્યનું પ્રથમ ઝીરો કમ્લેઈન સિટી બનશે…!?

0
306

ગુજરાતનું પાટનગર ગાંધીનગર અત્યાર સુધી પોતાની હરિયાળી અને સુઆયોજિત સેક્ટરો માટે જાણીતું હતું, પરંતુ હવે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા વહીવટી તંત્રમાં નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જ સ્માર્ટ ડિટેક્ટર વ્હીકલ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો ફરિયાદ કરે તે પહેલાં જ વહીવટી તંત્ર સમસ્યા શોધીને તેનું નિવારણ લાવે તે પ્રકારનું પ્રો-એક્ટિવ મોડલ ઊભું કરવાનો છે.

AI સજ્જ સર્વેલન્સ વ્હીકલ લોન્ચ કરાશે
ગાંધીનગર હવે માત્ર ગ્રીન સિટી જ નહીં, પરંતુ હાઈટેક સિટી બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે. શહેરને ડસ્ટ ફ્રી બનાવવાના પ્રોજેક્ટ પછી હવે ગાંધીનગર મહાનગરપાલિકાએ નાગરિકોની સુવિધા માટે એક ક્રાંતિકારી કમ્પ્લેઇન ફ્રી મોડલ તૈયાર કર્યું છે. આ મોડલ અંતર્ગત શહેરમાં AI સજ્જ સર્વેલન્સ વ્હીકલ લોન્ચ કરવામાં આવશે. જે નાગરિકો ફરિયાદ કરે તે પહેલા જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સક્ષમ હશે.

વ્હીકલની છત પર 360 ડિગ્રી કેમેરા અને સેન્સર્સ
આ પ્રોજેક્ટ હેઠળ તહેનાત કરવામાં આવનાર વાહન સામાન્ય સર્વેલન્સ વાહન નથી. તે અત્યાધુનિક કોમ્પ્યુટર વિઝન અને ડીપ લર્નિંગ અલ્ગોરિધમથી સજ્જ હશે. આ વાહનની છત પર હાઈરિઝોલ્યુશન 360 ડિગ્રી કેમેરા અને સેન્સર્સ લગાવવામાં આવશે. આ વાહન શહેરના માર્ગો પર નિર્ધારિત ગતિએ દોડશે.