ભાજપના નારાજ ઉમેદવારોને સમજાવવા અમિત શાહે ડેમેજ કંટ્રોલ હાથમાં લીધું

0
176

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો સામે ભાજપમાં ફાટી નીકળેલો રોષ ઠારવા માટે આખરે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને મામલો હાથમાં લેવો પડ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા ડખાને સુલઝાવવાના થઇ રહેલા પ્રયાસોને મોટાભાગે સફળતા નહીં મળતાં એક ડઝન કરતાં વધુ બેઠકો પર ભારેલા અગ્ની જેવી સ્થિતિ છે. બીજી તરફ આવા જ કારણોથી બીજા તબક્કાની 16 બેઠકોમાં ઉમેદવારોની જાહેરાત અટકી પડી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ રવિવારે મોડી સાંજના નિર્ધારિત સમય કરતાં વહેલા અમદાવાદ આવી પહોંચ્યા હતા અને સીધા કમલમ્ પહોંચ્યા હતા. સાંજે પાંચ વાગે કમલમ્ પહોંચતા પહેલાં અમિતભાઇએ વડોદરાના માંજલુપર અને સયાજીગંજના વર્તમાન ધારાસભ્યો યોગેશ પટેલ તથા રાજેન્દ્ર ત્રિવેદીને પણ તાબડતોબ કોબા પહોંચવા સૂચના આપી હતી. કમલમ્ ખાતે અમિતભાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રમુખ સી.આર. પાટીલ, મહામંત્રીઓ રત્નાકર, રજની પટેલ,ભાર્ગવ ભટ્ટ, પ્રદીપસિંહ વાઘેલા પાસેથી સમગ્ર વિગતો મેળવી હતી. કઇ કઇ બેઠકો પર કેવા પ્રકારની સ્થિતિ છે, વિશેષ કરીને નારાજગીમાં કેટલા આગેવાનો બળવો કરી ગયા છે અથવા તો કરવાના મૂડમાં છે તેની વિસ્તૃત જાણકારી મેળવી હતી. અમિતભાઇએ વડોદરાના બંને નેતાઓ સાથે બેઠક યોજી લંબાણપૂર્વક ચર્ચા કરી છે. હવે સમગ્ર ડેમેજ કંટ્રોલમાં કેવા પ્રકારના પરિણામો મળે છે એ આવનારો સમય જ કહેશે.