અમદાવાદ | 29 સપ્ટેમ્બર 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા “ડોન્ટ મિસ અ બીટ” થીમ હેઠળ વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મિલિટરી હોસ્પિટલ ભુજના સંકલનથી યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં હૃદયરોગ અંગે જાગૃતિ, વહેલું નિદાન, તણાવ વ્યવસ્થાપન અને શારીરિક તંદુરસ્તી પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત 21 સપ્ટેમ્બરે હૃદયરોગ નિષ્ણાત ડૉ. મીત ઠક્કરના માર્ગદર્શન સત્રથી થઈ હતી. તેમણે હૃદયરોગના જોખમી પરિબળો, પ્રારંભિક લક્ષણો અને હૃદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી જીવનશૈલી અંગે માહિતી આપી હતી. ત્યારબાદ યોજાયેલી ઇન્ટરેક્ટિવ પેનલ ચર્ચામાં હૃદયરોગ અંગેની સામાન્ય ગેરમાન્યતાઓ દૂર કરવામાં આવી હતી અને સમયસર તબીબી સલાહ તથા સારવારના મહત્વ પર ભાર મૂકાયો હતો.
23થી 25 સપ્ટેમ્બર દરમિયાન 40 વર્ષથી વધુ ઉંમરના સૈનિકો અને તેમના પરિવારજનો માટે વિશેષ હૃદય તપાસ શિબિર યોજાઈ હતી. શિબિરમાં 360થી વધુ લાભાર્થીઓની ઈસીજી સહિત જરૂરી તબીબી તપાસ કરવામાં આવી હતી. મેડિકલ ઓફિસરો અને નિષ્ણાતોએ પરામર્શ આપીને હૃદયરોગના સંભવિત જોખમી પરિબળોની વહેલી ઓળખ માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત તણાવ વ્યવસ્થાપન અને હૃદય આરોગ્ય અંગે જાગૃતિ સત્રો યોજાયા હતા. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ સીપીઆરનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેથી હૃદય સંબંધિત કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા અંગે જાગૃતિ અને સજ્જતા વધે.
વિશ્વ હૃદય દિવસ નિમિત્તે 29 સપ્ટેમ્બરે કાર્યક્રમનું સમાપન ભુજના સ્મૃતિવનના સનસેટ પોઈન્ટ સુધી યોજાયેલા વોકાથોન સાથે થયું હતું. તેમાં ભુજ મિલિટરી સ્ટેશનના સૈનિકો અને તેમના પરિવારજનો ઉપરાંત ગેઈમ્સ-જી.કે. જનરલ હોસ્પિટલના ફેકલ્ટી સભ્યો તથા સ્મૃતિવન મ્યુઝિયમના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
નિષ્ણાતોના વ્યાખ્યાન, હૃદય તપાસ, તબીબી પરામર્શ, તણાવ વ્યવસ્થાપન, સીપીઆર તાલીમ અને ફિટનેસ પ્રવૃત્તિઓના સંયોજનથી યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા નિવારક આરોગ્ય સંભાળ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ભારતીય સેનાની આ પહેલનો મુખ્ય સંદેશ હતો કે સક્રિય રહો, સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહો અને હૃદયની ધડકનને ક્યારેય અવગણશો નહીં.






