સિનિયરના ત્રાસથી ફફડી ઉઠેલા ચાર વિદ્યાર્થીઓએ પોલીસના દ્વાર ખખડાવ્યા

0
389

ગાંધીનગરના અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલી એક યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓએ એક સિનિયર વિધાર્થી દ્વારા રેગિંગ અને મારપીટના આક્ષેપો કરી અડાલજ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતા શૈક્ષણિક આલમમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે સિનિયર અને જુનિયર વિધાર્થીઓને બોલાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સિનિયરે રેગિંગ કર્યાની 4 વિદ્યાર્થીઓએ અરજી કરી
પ્રાપ્ત વિગતો અનુસાર,ગાંધીનગર અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારની જાણીતી યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓએ પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, ગત 4 એપ્રિલના રોજ યુનિવર્સિટીના જ એક સિનિયર વિદ્યાર્થી દ્વારા તેમની સાથે રેગિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સિનિયર વિધાર્થીએ ચારેય વિદ્યાર્થીઓ સાથે મારપીટ પણ કરી હતી. જોકે, ભોગ બનનાર વિદ્યાર્થીઓ અન્ય શહેરોમાંથી આવતા હોવાથી અને પોલીસ પ્રક્રિયાથી અજાણ હોવાને કારણે શરૂઆતમાં ભારે ડર અનુભવતા હતા. એ વખતે સિનિયર્સ દ્વારા સતત આપવામાં આવતી ધમકીઓને કારણે તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને ફરિયાદ કરવાની હિંમત કરી શક્યા નહોતા.

આક્ષેપો સાચા સાબિત થશે તો સિનિયર વિદ્યાર્થીની અટકાયત કરાશે
આખરે હિંમત એકઠી કરીને વિદ્યાર્થીઓએ 12 એપ્રિલના રોજ અડાલજ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલ તેઓ પોતાની સુરક્ષાને લઈને ભારે ખતરો અનુભવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે સિનિયર વિદ્યાર્થી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે. કેમ્પસમાં રેગિંગ જેવી ગંભીર ઘટના બની હોવા છતાં યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલ કે તંત્રને આ અંગે જાણ કેમ ન થઈ તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે.

હાલમાં પોલીસે આ લેખિત અરજીના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જો આ આક્ષેપો સાચા સાબિત થશે તો સિનિયર વિદ્યાર્થી સામે ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી શકે છે. બીજી તરફ પોલીસ આ મામલે યુનિવર્સિટી સત્તાધીશો પાસે પણ વિગતો માંગી શકે છે.