દ્વારકા/પોરબંદર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવારે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરી રાજ્યની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીનું દ્વારકા હેલિપેડ ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ જગતમંદિર પહોંચ્યા હતા, જ્યાં પરંપરાગત વિધિથી પાદુકા પૂજન કરી ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો મુળુભાઈ બેરા અને પબુભા માણેક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શિવરાજપુર બીચને પ્રવાસનનું નવું નજરાણું
દ્વારકાધીશનાં દર્શન બાદ મુખ્યમંત્રીએ બ્લૂ ફ્લેગનો દરજ્જો ધરાવતા શિવરાજપુર બીચ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. અંદાજે રૂ. 102 કરોડનાં વિકાસકાર્યોમાં પ્લાઝા, સાયકલ ટ્રેક, પાથવે, એમ્ફી થિયેટર, બીચ લાઇટિંગ અને ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ વિકાસકાર્યોથી શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
મોઢવાડામાં રૂ. 7.50 કરોડના મહેર સમાજ ભવનનું લોકાર્પણ
પ્રવાસના બીજા તબક્કામાં મુખ્યમંત્રી પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામે પહોંચ્યા હતા. અહીં તેમના હસ્તે આઈશ્રી લીરબાઈ માં મહેર સમાજ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે રૂ. 7.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ ભવનમાં સામાજિક કાર્યક્રમો ઉપરાંત રમતગમત અને અન્ય સામૂહિક પ્રવૃત્તિઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
ભવનમાં 80 કિલોવોટની સોલાર પાવર સિસ્ટમ, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા તેમજ બોક્સ ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ અને ઇન્ડોર ગેમ્સની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક વિકાસને મળશે પ્રોત્સાહન
મુખ્યમંત્રીની આ મુલાકાતથી દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પ્રવાસન, સામાજિક માળખાકીય સુવિધાઓ અને સ્થાનિક વિકાસને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને શિવરાજપુર બીચના વિકાસથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવી ઓળખ મળવાની સંભાવના છે.






