આજે થશે ગાંધીનગર ના પાંચમા મેયર ની જાહેરાત

0
345

રાજયના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગઈ હતી અને ૪૪ પૈકી ૪૧ બેઠકો ઉપર ભાજપે જીત હાંસલ કરી હતી. જયારે આપના ફાળે એક અને કોંગ્રેસને બે બેઠકો મળી હતી. ત્યારે નવરાત્રીના પર્વ દરમ્યાન ભાજપે સામાન્ય સભા બોલાવવાનું મુનાસીફ માન્યું નહોતું હવે નવરાત્રીના તહેવારો પૂર્ણ થઈ ગયા છે અને ચૂંટાયેલા કોર્પોરેટરો પણ વિસ્તારની મુલાકાતો લઈને મુકત થયા છે જેના પગલે હવે આવતીકાલે તા.ર૧ ઓકટોબરે કોર્પોરેશનની સામાન્ય સભા બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રથમ સામાન્ય સભામાં કોર્પોરેશનની ટર્મની શરૃઆત થશે. સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને સભ્યોની વરણી કરવામાં આવશે.ગાંધીનગર કોર્પોરેશનની મેયરની ખુરશી આ વખતે અનુસુચિત જાતી માટે આનામત છે ત્યારે ભાજર તરફથી વોર્ડ નં.૪ અને વોર્ડ નં.આઠમાં અનુક્રમે હિતેષ મકવાણા અને ભરત દિક્ષીત વિજય બન્યા છે આ બન્ને અનુ.જાતીના કોર્પોરેટરો વચ્ચે મેયરની ખુરશીની સ્પર્ધા હાલ સીધી રીતે દેખાઇ રહી છે આ માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રીના બંગલે આજે રાત્રે મળશે જેમાં મેયરના નામ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સર્વાનુમતે એક નામની પસંદગી કરવામાં આવશે. જે નામ અંગે મહાનગરપાલિકાના ભાજપના પ્રમુખને બંધ કવરમાં આપવામાં આવશે અને તે કવર પ્રમુખ આવતીકાલે મળવામાં આવનારી સામાન્ય સભામાં ખોલશે.આ નામ અંગે ૪૪ પૈકી ભાજપના ૪૧ કોર્પોરેટર વોટીંગ કરશે અને મેયર ચૂંટશે.ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર કોર્પોરેશનની રચના થયા બાદ પહેલી વખત ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે અને આ વખતે મેયરની ખૂરશી અનુ.જાતી માટે અનામત રાખવામાં આવી છે. ત્યારે ભાજપ તરફથી વિજેતા બનેલી ત્રણ મહિલા કોર્પોરેટર પૈકી એકની પણ પસંદગી થાય તો નવાઇ નહીં.
ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયા બાદ આવતીકાલે મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ બેઠકમાં આગામી અઢી વર્ષ માટે સ્ટેન્ડીંગ કમિટીની રચના પણ હાથ ધરવામાં આવશે. આ સ્થાયી સમિતિમાં કુલ ૧ર સભ્યોની વરણી કરવાની હોય છે જેને લઈ ભાજપના કોર્પોરેટરો ચૂંટાયા ત્યારથી પ્રદેશ નેતાઓના શરણે પહોંચી ગયા છે. કોર્પોરેશનમાં મોટા ભાગની સત્તા સ્થાયી સમિતિ હસ્તક હોય છે જેથી આ સ્થાયી સમિતિમાં સ્થાન મેળવવા માટે કોર્પોરેટરો ધમપછાડા કરી રહયા છે. એકવખત સ્થાયી સમિતિની રચના થયા બાદ આ સમિતિની અલગથી બેઠક મળશે અને તેમાં તમામ સભ્યો દ્વારા સમિતિના અધ્યક્ષની વરણી કરવામાં આવશે. સ્થાયી સમિતિમાં સ્થાન મેળવવું ભાજપના તમામ કોર્પોરેટરોનું એક સપનું છે. ઉલ્લેખનીય છે કે મેયરની ખુરશી અનુ.જાતિ અનામત છે ત્યારે ડેપ્યુટી મેયર પદે ભાજપ જ્ઞાાતિનું સમીકરણ ધ્યાનમાં રાખશે જયારે સ્થાયી સમિતિમાં તમામ વર્ગના કોર્પોરેટરોનો સમાવેશ થઈ શકે તેવા પ્રયત્નો કરાશે. ભાજપમાંથી ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરોના પતિ પણ તેમની પત્નિનું નામ સ્ટેન્ડીંગ કમિટિમાં આવે તે માટે છેલ્લી ઘડીનો પ્રયત્ન કરી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here