મહાપાલિકાના અધિકારીઓ ગેરકાયદે બાંધકામ તોડવા સેક્ટર 24માં પહોંચ્યા

પાટનગરમાં ગેરકાયદે બાંધકામ તોડવામાં વ્હાલા દવલાની નીતિ અપનાવવાના કારણે બદનામ થયા પછી ગુરુવારે મહાપાલિકાના અધિકારીઓ સીધા સેક્ટર 24માં પહોંચ્યા હતા અને ભાજપના માથાઓના સંબંધિઓએ કરેલા દબાણ પર જ હથોડા મારીને બાંધકામ તોડ્યા હતા. જોકે સેક્ટર 24માં મહાપાલિકાની ટીમ પહોંચ્યાની સાથે વેપારીઓ અને વસાહતીઓના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. દરમિયાન વેપારીઓને સ્વેચ્છાએ દબાણ તોડી પાડવા માટે સમય આપવાની રજૂઆત કરવા સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા આવેલા કોર્પોરેટર ધીરૂભાઇ ડોડિયા સાથે ચાલુ બેઠક દરમિયાન જ એક રહેવાસીએ તું તારી કરી દેતા ડીએમસીની ચેમ્બરમાં સોપો પડી ગયો હતો. આ પહેલા રાત્રે વેપારીઓ દ્વારા સેક્ટર 24ના ચોકમાં બેઠક બોલાવી તેમાં ભાજપના કોર્પોરેટર ધીરૂભાઇ અને કોંગ્રેસના કોર્પરેટર અંકિત બારોટ હાજર રહ્યા હતા અને મહાપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા નક્કી કરાયુ હતુ.