પાટનગરમાં બાંધકામના હેતુફેર વપરાશ મુદ્દે મહાપાલિકા ફરીવાર મેદાને

પાટનગરમાં ગેરકાયદે બાંધકામ અને બાંધકામના હેતુફેર વપરાશ મુદ્દે મહાપાલિકા ફરીવાર મેદાને ઉતરી છે. 10 દિવસના વિરામ બાદ જો કે સોમવારે કોઇ તોડફોડ કરવામાં આવી ન હતી. પરંતુ મહાપાલિકાએ સેક્ટર 24ને પડતું મુકીને સિંહની બોડમાં હાથ નાખી દીધો હતો અને બાંધકામના હેતુફેર વપરાશ બદલ સેક્ટર 7માં રહેણાંકમાં ધમધમતા 23 હોસ્પિટલ, દવાખાનાને નોટિસ ફટકારવામાં આવી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે નોટિસમાં તમામ એકમને 2 દિવસની મુદ્દત દસ્તાવેજી ખુલાસા રજુ કરવા માટે આપવામાં આવી છે. બાદમાં સીલ મારવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.