દિલ્હી-NCRમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદે સામાન્ય જનજીવનને ભારે અસર પહોંચાડી છે. શુક્રવારે પડેલા મુશળધાર વરસાદ બાદ રાજધાનીના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. આજે શનિવારે પણ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજની શક્યતા યથાવત્ છે. ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા દિલ્હી અને હરિયાણા માટે 5 અને 6 સપ્ટેમ્બરે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
શુક્રવારે બપોર બાદ વરસાદની તીવ્રતા અચાનક વધી હતી. દિલ્હી સહિત નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ તરફ જતા માર્ગો પર પણ લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા. કોન્નોટ પ્લેસ, અકબર રોડ, AIIMS વિસ્તાર, આનંદ વિહાર, મહિપાલપુર અને વસંત કુંજ સહિતના વિસ્તારોમાં જળબંબાકારના અહેવાલો સામે આવ્યા છે.ભારે વરસાદની સૌથી મોટી અસર ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) પર જોવા મળી હતી. એરપોર્ટના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જતાં મુસાફરોને મુશ્કેલી પડી હતી. ટર્મિનલ-3ની બહારના વિસ્તારમાં પણ પાણી ભરાયું હતું. ખરાબ હવામાનને કારણે દિલ્હી આવતી 11 ફ્લાઇટ્સને અન્ય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમાં પાંચ ફ્લાઇટ્સ જયપુર, ચાર લખનૌ તથા એક-એક ફ્લાઇટ અમદાવાદ અને ચંડીગઢ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. અનેક અન્ય ફ્લાઇટ્સમાં પણ વિલંબ થયો હતો.
એરલાઇન્સ દ્વારા મુસાફરોને એરપોર્ટ માટે વહેલા નીકળવાની અને મુસાફરી પહેલાં પોતાની ફ્લાઇટનું સ્ટેટસ તપાસવાની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે એરપોર્ટ સુધી પહોંચવાના માર્ગોમાં પણ ટ્રાફિક ધીમો પડ્યો હતો.






