Vibrant Gujarat Global Summit માટે તૈયારીઓ તેજ….

0
20

ગુજરાતમાં નવા અને મોટા પાયે રોકાણ આકર્ષવા માટે રાજ્ય સરકારે પોતાની તૈયારીઓને વધુ વેગ આપ્યો છે. આગામી Vibrant Gujarat Global Summit (VGGS) 2027ના પ્રચાર અને રોકાણકારો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને વિવિધ દેશોના રાજદ્વારી પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. 3 સપ્ટેમ્બરે મુંબઈના તાજ મહાલ પેલેસ ખાતે યોજાયેલા રોડ શોનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની રોકાણક્ષમતા રજૂ કરવાનો અને આગામી સમિટ માટે ઉદ્યોગજગતને આમંત્રણ આપવાનો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગજગતને **“Come to Gujarat – Grow in Gujarat – Grow with Gujarat”**ના સંદેશ સાથે ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતને માત્ર ઔદ્યોગિક પ્રોજેક્ટ સ્થાપવા માટેનું સ્થળ નહીં, પરંતુ લાંબા ગાળાના વિકાસ માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે જોવું જોઈએ. રાજ્ય સરકાર રોકાણકારોને જરૂરી સહયોગ અને સરળ પ્રક્રિયા ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

મુંબઈ રોડ શો દરમિયાન મુખ્યમંત્રીએ અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો કરી હતી. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સાથેની ચર્ચામાં ઇલેક્ટ્રિક વાહનો, ફ્યુચર મોબિલિટી અને GIFT Cityમાં સંભવિત વિસ્તરણ અંગે ચર્ચા થઈ હતી. અન્ય ઉદ્યોગગૃહો સાથે પણ મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, રિન્યુએબલ એનર્જી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ અંગે ચર્ચા થઈ હતી.